દેવગઢ બારિયા રાજવી સયાજીરાવ પરીવાર

મહારાવલ જયદીપસિંહજી સૌભાગસિંહજી બારિયા 
ખિચી ચૌહાણ રાજવંશ (૨૪ જૂન ૧૯૨૯ ઈ. સ. થી ૨૦ નવેમ્બર ૧૯૮૭ ઈ. સ.) દેવગઢ બારીયા રાજ્ય, અત્યારે જિ. દાહોદ.

આજે તારીખ ૨૪ જુન મહારાવલ જયદીપસિંહજી સૌભાગસિંહજી બારિયાનો જન્મ દિવસ છે, આ મહાનવ્યક્તિત્વ અને પ્રજાવત્સલ રાજવી વિષે જાણી ચોક્કસ ગર્વ થશે. 

બારીયા રાજ્યનો ઈતિહાસ ટૂંકમાં :- 
ચાંપાનેરના અંતિમ રાજવી રાવલ પતાઈજીના પુત્ર રાયસિંહજીના બે પૌત્ર એ અલગ અલગ રાજ્યોની સ્થાપના કરી જેમાં મોટા પૌત્ર રાવલ પૃથ્વીરાજજીએ છોટાઉદેપુર સંસ્થાન વસાવ્યું અને નાના ડુંગરજી એ ઈ. સ.1524 માં બારીયા રાજ્યનો પાયો નાખ્યો જે આજે દેવગઢ બારીયા તરીકે ઓળખાય છે, આમ બારીયા રાજ્યના 16માં અને અંતિમ રાજવી મહારાવલ  રણજીતસિંહજી માનસિંહજીએ તેમના પૌત્ર જયદીપસિંહજી સૌભાગસિંહજીના હસ્તે પોતાનું 09ગન સેલ્યુટ ધરાવતું રાજ્ય માં ભારતીના ચરણોમાં 10 જૂન 1948ના રોજ સમર્પિત કર્યું હતું. એ મહારાવલ જયદીપસિંહજીએ અજમેરની મેયો કોલેજ અને બાદમાં   કેમ્બ્રિજ યુનિ. માં અભ્યાસ કર્યો હતો. મહારાવલ જયદીપસિંહજીના પિતા સૌભાગસિંહજીનું યુવરાજ પદ પર જ અવસાન થયેલ આથી તેઓ આઝાદી સમયે બારીયા રાજના યુવરાજ હતા. ગુજરાતના પ્રજાવત્સલ રાજવીઓમાં શિર્ષસ્થાન ધરાવતા હતા. 

મહારાવલ જયદીપસિંહજીની કારકિર્દી અને કીર્તિ :- 

મહારાવલ જયદીપસિંહજી આઝાદી બાદ બારિયા નગરપંચાયતના  પ્રમુખ બન્યા, દેવગઢ બારિયા મત વિસ્તારના ધારાસભ્ય, આઠમી લોકસભાના સાંસદ, ત્રીજી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ,ખેતીવાડી અને આરોગ્ય ખાતાના માન મંત્રીશ્રી, ઓલ ઈન્ડિયા ઓલમ્પિક ફેડરેશનના ચેરમેન, ગુજરાત ટુરીઝમના ચેરમેન તરીકે ટુરિઝમનો પણ વિકાસ કર્યો હતો. તેઓએ પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન ડૉ. સામ પિત્રોડાની સ્કીલને પારખી તેમની મુલાકાત પોતાના દિલ્હી ખાતેના બંગલે ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે કરાવેલ, તેમણે ડૉ. સામની ભલામણ કરી જેને કારણે ભારતે ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ખૂબ મોટી હરણફાળ ભરી હતી.  રમત ગમત (સ્પોર્ટ્સ) જયદીપસિંહજી બારીયાનું ગુજરાત જ નહીં સમગ્ર રાષ્ટ્રક્ષેત્રે અમૂલ્ય યોગદાન રહ્યું, પોતે આધુનિક પોલોની રમતના ખ્યાતનામ ખેલાડી હતા, સાથે અન્ય રમતો જેવીકે લૉનટેનિસ, ક્રિકેટ, ચેસ, તીરંદાજી, એથ્લેટીક્સ વગેરે રમતોના શ્રેષ્ઠ ખેલાડીઓ દેશને આપવા બારીયામાં ઉતરુષ્ઠ મેદાનો, શ્રેષ્ઠ કોચ તેઓએ નીમ્યા હતા, મહારાવલ રણજીતસિંહજી જીમખાના તેમણે ગુજરાત સરકાર(જ્યાં અત્યારે જયદીપસિંહ બારીયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગુજરાત સરકાર દ્વારા નિર્માણ પામ્યું છે)ને ડોનેટ કરી દેવગઢ બારીયાને ગુજરાતના સ્પોર્ટ્સ કેપિટલ તરીકે વિકસાવ્યું હતું. દશેરાના દિવસે તેમના મહેલમાં ગ્રામીણ ઓલિમ્પિક રમાય છે...(ગુજરાતમાં ગ્રામીણ ઓલિમ્પિક ફક્ત ત્રણ જગ્યાએ જ રમાય છે...ડાંગ, તરણેતર અને દેવગઢ)
 રમત ગમત ક્ષેત્રે પોતાની સ્કિલ અને પ્રેમના લીધે ઓલિમ્પિક અને એશિયાડ રમતોમાં તેઓએ ભારત સરકારનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. જયદીપસિંહજી બારિયા એથલેટીક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચૂંટાયેલા પ્રમુખ પણ રહ્યા હતા. દેવગઢ બારિયામાં પોતાનો જૂનો મહેલ દાન કરી યુવરાજ સૌભાગસિંહજી કોલેજ શરુ કરી તેમણે ઉચ્ચ શિક્ષણનો પાયો નાંખ્યો હતો. તેઓ શ્વાનપ્રેમી પણ હતા, તેમની પાસે સારા જાતવાન અનેક શ્વાન હતા. તેથી ઓસ્ટ્રલીયામાં યોજાયેલા વર્લ્ડ ડોગ શો માં તેઓ નિર્ણાયક પણ રહ્યા હતા.
આમ તેમના રમત ગમત ક્ષેત્રના અમુલ્ય યોગદાનની કદર કરતા ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરશ્રી યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીયકક્ષાએ ખુલ્લા વિભાગમાં વિજેતા થનાર ખેલાડીઓને યોજનાની સ્કીમ અનુસાર 100ગુણ મેળવે તેને જયદીપસિંહજી બારીયા સીનિયર તથા જુનિયર એવોર્ડ દર વર્ષે એનાયત કરવામાં આવે છે, જેમાં જુનિયરમાં 10,000/- રોકડ પુરસ્કાર અને એવોર્ડ, તથા સીનીયરમાં 20,000/- રોકડ પુરસ્કાર અને એવોર્ડ આપવામાં આવે છે, ૨૦ નવેમ્બર ૧૯૮૭ના રોજ દિલ્હીમાં તેમનું અવસાન થયું,  હતું . મારી ઉંમર જેટલો સમય તેમના સ્વર્ગવાસને થયો છતાં દેવગઢ બારીયાના પ્રજા જનોના હૃદયમાં આ રમતપ્રિય અને પ્રજા વત્સલ રાજવીનું સ્થાન ચિરંજીવ છે..
લેખન/સંપાદન : ધર્મરાજસિંહ જે. વાઘેલા (છબાસર)

No comments:

Post a Comment